અખતરા!

જગ ઘુમીયા… થારે જૈસા ના કોઈ…

જગ ઘુમવા શા માટે જાવ છો?? એક વખત એક વ્યક્તિ ગમી, વિશ્વાસ બેઠો, હૃદય જોડાયા પછી નાની નાની વાતમાં જગડા કરી, અક્કલ વગરની અપેક્ષાઓ પૂરી કરવા શા માટે નીકળી પડે છે લોકો?? હમણાં એક નાનકડા દોસ્ત [ મને દીદી કહે છે પણ હું આમ જ લખું છું ] એ પોતાની વાત ૨ લીટીમાં કહી..

‘દીદી… મારું બ્રેક અપ થઇ ગયું’

‘?’

‘મારા પાસે ગાડી-બંગલો નથી…. એને ૬ વર્ષે સમજાયું’ હા હા હા …..

૨ મિનીટ તો શું કહેવું તે સમજાયું નહીં. વર્ષોથી ઓળખું છું આ છોકરાને… પ્રેમાળ-કાળજીવાળો, એની ગર્લફ્રેન્ડ માટે અત્યારથી જ ઘરમાં લોકોને સમજાવતો હતો [ એ જોબ કરશે… એટસેટરા ] પેલીને સારી રીતે રાખવા ખુબ કામ-મહેનત કરતો, રાતદિવસ દોડતો હતો… પણ વર્ષો જૂની એક જ વાર્તા…

આ એકની જ વાત નથી…. કેટલાય કિસ્સામાં છોકરીઓ રૂપિયાના કારણે અને છોકરાઓ માં-બાપના દબાણને કારણે પ્રેમ ભૂલીને આગળ વધવાની કોશિષ કરે; ૫ વર્ષે મળીયે તો ચેહરો જોઇને જ ખબર પડી જાય કે ‘પસ્તાય છે’ !! શું થાય??? ખોટા નિર્ણયો જીવનભર ભોગવવાના હોય છે.

છોકરીઓ વધુ સારી લાઈફસ્ટાઇલ માટે આમ કરે છે અને છોકરાઓ ફટુસીયાઓ માં-બાપના ઈમોશનલ ડ્રામાથી ડરીને.. એકચ્યુલી એમાં પણ મની-ફેક્ટર હોય છે; ઘર છોડીને એકએક રૂપિયાનો સંઘર્ષ કરવાનું છાણ હોતું નથી એટલે માં-બાપની લાગણી આગળ કરી દે [બીજી કોઈ વાતમાં માં-બાપની લાગણી યાદ ના આવે]

અમુક ઉમરે રૂપીઓ મહત્વનો લાગે; સાચ્ચી વાત છે પણ એક વખત રૂપીઓ કમાઈ લ્યો પછી એ કેટલો નકામો છે તે પણ ચોક્કસ સમજાય જાય. એક સમયે જે ગર્લફ્રેન્ડને ૫૦ રૂપિયાના ફૂલના આપ્યા હોય એ દસકા પછી ફક્ત દોસ્ત હોય અને ૫૦,૦૦૦ ની ગીફ્ટની ના પાડી દે ત્યારે સમજાય કે દસકામાં શું ગુમાવ્યું છે!!!

જયારે પ્રેમ મળ્યો છે ત્યારે માણી લેવો; પ્રેમ માટે લડી લેવું… બાકી પછી રોતા ય નહીં આવડે. આપણું પોતાનું ડીસીઝન હોય એટલે તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે કે હું સુખી છું.

બાકી દુનિયા ફરીવળો તો પણ પ્રેમની મીઠાશ નહીં મળે તે નહીં જ મળે !

આપણા આદર્શો !

પેઈજ ૩ અને પેઈજ ૧ વાળા વચ્ચે આ જ તફાવત છે….

બ્યુટીથી અને મહેનતથી જીવવાવાળી સ્ત્રીઓ વચ્ચેનો તફાવત ! ‘અશોભનીય’ બેનને મેકઅપ કરીને ફોટા પડાવવા છે એટલે સેલ્ફી જ દેખાય…

આપણી બેન-દીકરીઓને આઈલાઈનર, લીપસ્ટીક, મેકઅપ નહીં; મહેનતની-પરસેવાની ભાષા શીખવજો ! આખો દેશ ગર્વ લેશેword press

મહિલા સશક્તીકરણ?!

આ પીક લંડનથી એક ફ્રેન્ડ એ વોટ્સએપ પર મોકલ્યું !! પહેલા તો મજાક જેવું લાગ્યું પણ ૧૦ સેકન્ડ પછી થયું બહુ સાચ્ચી વાત છે! કેટલાય ઘરોમાં આ બાબત પર જગડો-બોલા ચાલી થતી જ હશે. પછી… ફ્લેશબેક માર્યો…

ઓગસ્ટના પહેલા બે અઠવાડિયા ‘મહિલા સશક્તિકરણ’ પખવાડીયા તરીકે ઉજવાય છે. દર એકાંતરે અને એક બે દિવસ તો દિવસ ૨-૩ લેકચર આપ્યા. અલગ અલગ સ્ટ્રીમની કોલેજ ગર્લ્સને મળી. છેલ્લા બે વર્ષથી આ વિષય પર રાજકોટની વિવિધ કોલેજ્સમાં ઘણું કહી ચુકી છું.

ગર્લ્સને કંઈ પણ સમજાવીએ તો સામે કહે કે ‘અમને આમ નહીં; બોયસને આમ સમજાવો’ જેમ કે ‘અમને પૂરતા કપડા પહેરવા નહીં; બોયસને અમને આ રીતે સ્વીકારીને પણ માન આપતા શીખવો’ સાચ્ચી વાત છે અને એમ થઇ શકે તો સારું જ છે પણ એમ નથી થઇ શકતું તો શું કરીશું??

ચાલો! કોલેજ ગર્લ્સનું તો સમજ્યા ઉંમર જ એવી હોય છે કે કોઈનું કંઈ સાંભળવું કે માનવું ના ગમે પણ મેચ્યોર [ !!!! ] ઉંમરમાં મેચ્યોર ગર્લ્સ કે સ્ત્રીઓ [આધેડની પણ] આ જ પરિસ્થિતિ છે. લોકોને ડરાવી દે તેવા કપડા પહેર્યા હોય. આપણા દેશની સામન્ય સ્ત્રીઓની ફિગર એટલી સારી હોતી જ નથી કે તમામ વેસ્ટર્ન આઉટફીટસ સારા લાગે… પણ ઠપકારે જાય!! ઇવનિંગ ગાઉન [બ્રીટીશ સ્ટાઇલ, બોડી ફીટેડ] ખુબ સારું જાળવણી વાળું શરીર હોય તો જ શોભે પણ આપણા સમાજની સ્ત્રીઓ એવા અદોદરા શરીર સહીત આવા ગાઉનમાં ઘુસી ગઈ હોય કે ચીરીને જ બહાર નીકળી શકાય…. !!!

કર્લી હેરને ઈસ્ત્રી [સ્ટ્રેઈટનીંગ] કરીને સટ્રેઈટ કરવાના, સટ્રેઈટ હેર હોઈ તો ગરમ સળીયાથી કર્લી કરવાના.. ઓઈલી સ્કીન હોય તો ખીલ થતા હોય એટલે ડ્રાય થાય તેવા ફેસવોસ વાપરવાના, ડ્રાય સ્કીન હોય તો રીન્કલસ વધુ થાય એટલે ઓઈલી રહે તેવા ક્રીમ વાપરવાના… જે હોય તેનાથી ખુશ નહીં રહેવાનું… સતત વધુ સારા દેખાવા કૈંક કરતા રહેવાનું!!

શા માટે?? એડવાન્સ દેખાવા માટે આવા અખતરા શા માટે કરવાના?? આપણું ભણતર, આવડત, હોશિયારી, આપણું કામ, સમાજમાં આપણું સ્થાન, નામ જ એટલા મોટા ના કરીએ કે લોકોએ આપણી નોંધ લેવી જ પડે?? આ દીકરીઓને – બહેનોને કઈ રીતે ‘સશક્તિકરણ’ ની સાચ્ચી વ્યાખ્યા સમજાવવી?? તમારા ઘરની બહેન દીકરીને થોડા કડવા થઇને પણ તમે જ કહોને કે ‘આ કપડા નથી સારા લાગતા’! ઘરની – જીવનની સ્ત્રીઓને જેવી છે તેવી ચાહો! નાચવાકુદવાવાળી હિરોઈનસ સાથે ના સરખાવો… માન આપો અને માન કમાતા શીખવો!વરડ પ્રેસ

શક્તિના અવતારસમી સ્ત્રીઓ !

Jaagruti Ganatra અને Neha Thakar ! બંનેને આ પહેલા પણ મળી હતી, તેમના કામ વિષે જાણતી હતી પણ આજે જે જોયું તે પછી ૨ કલાક બ્લેન્ક રહી. બંને સન્નારીઓ જોબ કરે છે, ઘર સંભાળે છે અને સેવા પણ કરે છે !

નેહાબેન સાથે પુસ્તકોની, આધ્યાત્મની, જીવનની ઘણી વાતો થઇ હતી. ઘરમાં સાત સભ્યો છે. પતિ-પત્ની, બે ટીન એઈજ દોડતા – ભાગતા ટ્વીન્સ – દીકરા, સસરા, નાનીજી સાસુ અને દિવ્યાંગ નણંદ. તમામ ઘરકામ, ૮ કલાકની કોલેજ એડમીન ડીપાર્ટમેન્ટની જોબ અને એ પછી ૨ કલાક માનસિકરીતે નબળા બાળકો સાથે વિતાવવાનો! યસ ! આ લોકો સેવા શબ્દ જ નથી વાપરતા. અમે બાળકોને સાચવીએ છીએ, સાંભળીયે છીએ, એમની સાથે રમીએ છીએ ! એક પણ રૂપીયો મેહનતાણું લીધા વગર આવા ૭ બહેનો અને ૧ ભાઈ અહીં સેવા આપે છે. ૨૫ જેટલા બાળકો સાંજ પડીએ અહીં આવે, રમે, નવું શીખે અને હસતા રમતા ઘરે જાય !
ટ્રેજડી એ છે કે અમુક બાળકોના પેરન્ટસ પણ એમનાથી કંટાળી જતા હોય છે. હોબી સેન્ટર કે સાંજે અહીં રમવા-શીખવા આવે તો ‘વેનનો કે રીક્ષાનો’ ખર્ચ થાય!! ૩ દિવસ કોઈ બાળક ના આવે તો નેહાબેન અને જાગૃતિબેન એ બાળકની વેન કે રીક્ષાના રૂપિયા ચૂકવી દે પણ બાળક અહીં આવતું રહે તે માટે કોશિષ કરતા રહે. નેહાબેન કહે કે વેકેશન, તહેવાર, રજાઓ હોય તો આ બાળકો મારા ઘરે મને મળવા આવે; તે લોકોને મને મળ્યા વગર ચાલતું જ નથી…..

ખુબ ધીરજથી વાતો કરતા, રમતા હતા. રાખડી, ગરબા જેવી સીઝનલ વસ્તુઓ બનાવે અને સૌથી મહત્વનું ખુશ થાય ! રાજકોટના લોકોને કહેવાનું કે આ સંસ્થાની એક મુલાકાત ચોક્કસ લેજો.

અને યસ !! જે ગૃહિણીઓ ૪ લોકોના કુટુંબમાં કામવાળા, નોકર, રસોઈવાળી બાઈ રાખી ઘર સંભાળે છે અને ‘અમને તો સમય જ નથી મળતો’ [સોસીયલ મીડિયા, કિટી પાર્ટી, બ્યુટી પાર્લર અને યસ દર ૩ દિવસે ધડમાથા વગરની શોપિંગ માટે સમય મળે છે] તેમ કહે છે તેમણે એક વખત નેહાબેનને મળવું ! તમે સેવા કરવાનું નક્કી તો કરો…. રસ્તો તો નીકળી રહેશે ! અને આ કામ એટલો સંતોષ આપશે કે રાત્રે મીઠી ઉંઘ આવશે !

અહીં કાર્યરત તમામ સન્નારીઓને પ્રણામ _/\_

ધ સિવિક કોડ

મારી બુક ‘ધ સિવિક કોડ’ વિષે મુર્તઝાભાઈ પટેલના શબ્દો:

૧૯૮૦’ના દશકવાળા દૂરદર્શનના ક્લાસિક કાળ દરમ્યાન અઢળક સિરિયલ્સે આપણા દિલ અને ઘરોમાં રાજ કર્યું. અને આજે પણ યુટ્યુબ પર ઘણી ખરી સિરિયલ્સ સાવ મફત મળી આવે છે, અને આપણને નોસ્ટાલ્જીક અનુભવ કરાવે છે.

એ ઢગલાબંધ સિરિયલ્સમાંની એક પ્રિયા તેન્દૂલકરની ‘રજની’ પણ ખાસ્સી એવી ચર્ચામાં રહેતી. આ ચર્ચામાં એટલાં માટે કે ‘રજની’નું સ્ત્રી પાત્ર વિવિધ સામાજિક ઘટનાઓ દ્વારા એક સારા દેશી માનવી બનવાનો મોરલ્સ આપે. અને જે દેશમાં વસીએ તેના નિયમો અને સિસ્ટમનું પાલન સરળતાથી થઇ શકે એની ગોઠવણ સમજાવે.

સૌ દેશીયા પ્રજાજનોને ત્યારે એમ થાય કે… “લ્યે ! આવું કાંઈ થાતું હશી?!?! આવડા મોટ્ટા દેશમોં શ્વાસ પણ વાસ સાથે લેવો પડ્યે, એમાં આ છોરી આપણને ચાલવા-દોડવા-હુવા-બેશવાના નિયમો કાં સીખડાવે સ.”

પણ એક વાત બની કે રજનીએ સમાજને એટ-લિસ્ટ નિયમોની ટિપ્સ મનોરંજન દ્વારા પૂરી પાડવાનો ઘણો સારો પ્રયાસ કર્યો. તેના નાટ્યકાર પિતા વિજય તેંદુલકરની જેમ. હાય રે ! બેકિસ્મતીથી એ રજની તો લોકોની પ્રિયા થઈને ગુજરી ગઈ. પણ એનો આત્મા રાજકોટની ગોરા ત્રિવેદીમાં (Gora N Trivedi) મૂકી ગઈ.

હ્યુમન રાઈટ્સમાં ડોકટરેટ થયેલી આ ગોરાબેન પહેલા ખુદનો. પછી વિવિધ મીડિયાનો, માણસોનો સહારો લઇ નાનકડા પાયે પણ સમાજની વ્યવસ્થાને સુચારુ બનાવવાની સતત કોશિશ કરતી રહે છે. જેમ કે વગર કારણે હોર્ન શાં માટે મારવો?,

ચાલતી ગાડીમાંથી માવો ખાઈ ખુદને અને બીજાંવને શાં માટે ‘ગંદા’ કરવા?, આડેધડ પાર્કિંગ શાં માટે કરવું?, જ્યાં લાઈન લાગી હોય ત્યાં સૌથી આગળ ધસી બીજાંને પરેશાનીમાં શું કામ મુકવા?, જે કામ વગર ‘નાસ્તા-પાણી’થી થતું હોય ત્યાં શું કામ પેમેન્ટ-પિચકારી મારવી?….જેવાં અધધ કામોને સુધારવાની ચળવળ કરતી રહે છે.

આવાં સામજિક અને માથજીંક લાગતાં સારા કામોને ધક્કો મારનારા તો ઘણાં મળી આવશે. પણ તેના દ્વારા પ્રેરણા આપી શકાય એટલા માટે ગોરા ત્રિવેદીએ નાનકડી નિયમાવલી-બૂક તૈયાર કરી છે. | ધ સિવિક કોડ. | – સમાજમાં રહેવાના નિયમોની યાદી.

૧૨ x ૧૮ સે.મીની આ બેબીબૂકના લગભગ ૨૦૦ પેઈજમાં તેણે માત્ર દેશી ‘નિયમો’ જ નહિ પણ મજ્જાના માણસ બની રહેવાની સેલ્ફ-મોટિવેશન ટિપ્સનું પણ ભાથું ભરી આપ્યું છે. જેમ કે…

• દેશ-પ્રેમ- કેવો, ક્યાં અને કઈ રીતે બતાવી શકાય?…
• સ્વ-વિકાસ માટે સમયપાલન એ પશુપાલન જેટલો જ જરૂરી કેમ છે?…
• ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો (OMG ! અને PK ફિલ્મ ઉપરાંત) ક્યાંથી શીખી શકાય?…
• મમ્મી-પપ્પાએ આપેલું ભણતર અને ગણતરનું એનકેશમેન્ટ સમાજમાં કઈ રીતે યુઝ કરી શકાય?…
• લવલી લેડિઝ અને જાજરમાન જેન્ટ્સ કેવાં હોય છે? અને કઈ રીતે બની શકાય?…
• બિન-જરૂરી નિયમોને જાકારો અને જરૂરીને આવકારો…કઈ રીતે આપી શકીએ?….

પહેલી નજરે જ્યારે આ બૂક જોઈ ત્યારે એક વકીલ-પૂત્ર તરીકે મને આ કોઈ ‘લો’ની સાવ બોરિગ કિતાબ લાગી. પણ મુંબઈથી કેરોની મુસાફરી દરમ્યાન પ્લેનમાં જ્યારે આ બૂકીમાં ઘુસ્યો ત્યારે થયું કે ‘આપણે તો ઝટકાંમાં નિયમો તોડી નાખીએ છીએ. પણ આવાં સરળ અને સાત્વિક નિયમોની યાદી બનાવવા (ડૉ. છે એટલે પ્રિસક્રાઈબ કરવા) આ ગોરાએ કેટલી મહેનત કરી હશે?!?!

ગોરા-અંગ્રેજોએ તો આપણા દેશમાં દોઢશો વર્ષ જેટલું રાજ કર્યું. પણ બૂકી ટિપ્સ દ્વારા ગોરાબેન આપણને આપણા દેશમાં સ્વ-ધોરણે ખુદ પર કઈ રીતે રાજ કરી શકાય એનું ગાઇડન્સ આપે છે.

૧૫ ઓગસ્ટ નજીક છે. ત્યારે પાને-પાને પાનો ચડાવતી ‘સિવિક કોડ’ને જો આ પ્રસંગે શાળાઓ, ઇન્સ્ટીટયુટ્સ, એસોસિએશન્સમાં બાળકોને અને મેમ્બર્સને ગિફ્ટરૂપે તરીકે આપવામાં આવે એવું હું ‘સજેસ્ટી’ શકું. ગોરાને તો ઠીક. પણ વાંચનાર-પાલનનાર દરેકને ફાયદો પહોંચે એવી કનેક્ટિવિટી છે ખરી એમાં.

(બાકી, એક માર્કેટર તરીકે ગોરામેમને નવી આવૃત્તિ વખતે આ બૂકનું ટાઈટલ હજુયે ધારદાર નવું બનાવી શકાય એવું ‘એડવાઈઝી’ શકું.)

પેટ્રીઓટિક પંચ:

“સુખી દેશોમાં મધુશાલા છે. જ્યારે સુખી થવા મથતા દેશોમાં મંદિર-મસ્જીદ-ગુરુદ્વારા છે.”

મુર્તઝા ભાઈ

લાખ રૂપિયાનું દાન!

છેલ્લા થોડા દિવસથી અમારી રાજકોટની Nation First Foundation ની નાનકડી ટીમ ૧૫ ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પ્રયત્નશીલ છીએ. ૧૪ તારીખે એક નાનકડો રોડ-સ્ટેજ શો; ભારતમાતા વંદના પ્રોગ્રામ. પ્રોપર માપ-ડિઝાઈન સાથેના રાષ્ટ્રધ્વજ લોકોને નિશુલ્ક આપશું, રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તે સમજાવશું અને યુવાનોને દેશ – સમાજ માટે જોડવા માટે અપીલ કરશું.

કાર્યકર્તા પોતાના રીતે મીનીમમ ૨૫૦૦ રૂપિયા કન્ટ્રીબ્યુટ કરવાના જ હતા. સંસ્થાના નિયમ મુજબ કોઈને કન્ટ્રીબ્યુશન માટે શરમાવવાના નહીં તેવી સ્પષ્ટ સુચના હતી જ.

ટીમનો સૌથી નાનો અને ઉત્સાહી યુવાન એટલે Manoj Ahir … પોઝીટીવ અને એનર્જેટિક… થોડા દિવસથી રાષ્ટ્રધ્વજ-પેમ્ફલેટસ લઈને દોડા દોડી કરતો હોય છે. મિત્રો સાથે રાત્રે ભેગા થવાની જગ્યા પર પણ આ સાથે જ લઇને જતો. ત્યાં રોડ પર પાળીએ બેસવા આવતા એક મુસ્લિમ ચાચા એને રોજ જોતા હશે એટલે પૂછ્યું કે આ બધું શું કરશ??

મનોજ એ શાંતિથી બધું સમજાવ્યું. કાકાએ કહ્યું કે ‘હું પહેલા રાષ્ટ્ર માટે ઘણું કરતો હતો’ [ થોડા કિસ્સા પણ કહ્યા ] પછી કહ્યું કે ‘હું આમાં કઈ કરી શકું? મીનીમમ કેટલા રૂપિયા જોઈએ?’ ‘ચાચા’ ની ઉંમર અને હાલત પરથી આર્થિક પરિસ્થિતિ સામાન્ય હશે તે સ્પષ્ટ હતું એટલે મનોજ એ પ્રેમથી કહ્યું કે ‘ચાચા તમે ઘણું કર્યું છે, હવે અમે કરીએ છીએ’

એમણે ગર્વથી કહ્યું કે ‘હું એકલો માણસ છું, સામન્ય સારું પેન્શન આવે છે. દેશ માટે આટલું તો કરી જ શકું ને??’ રૂપિયા આપીને તાકીદ કરીકે મારું નામ દેવાની જરૂર નથી.

નિયમ પ્રમાણે જેના રૂપિયા જમા કરાવીએ તેમનું નામ લખીએ. હું આજે એમના રૂપિયા જમા કરાવવા ગઈ ત્યારે મુંજાઈ ગઈ…. પણ પછી સુજી ગયું કે શું લખવાનું છે 🙂

બહુ સાચ્ચું કહું તો ‘એક મિનીટ મને ૨૫૦૦ રૂપિયા વધુ લગતા હતા’ [ હું સેલ્ફ ફાયનાનશડ કોલેજમાં જોબ કરું છું, મોટાભાગના બહારના લેક્ચર્સમાં સેવા જ હોય છે અને સામાજીક પ્રવૃતિમાં થતા નાના-મોટા ખર્ચનો તો હિસાબ જ ના હોય ] પણ ‘ચાચા’ ના ૨૫૦૦ જમા કરાવ્યા એટલે મારા ૨૫૦૦ વધુ ના લાગ્યા 🙂

તમારા સીટીમાં આ કામ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરજો…. આર્થિક નહીં તો શારીરિક હાજરી આપી પ્રોત્સાહિત કરજો…. આભાર ! ભારત માતા કી જય !

આપણે બધા જ આમ કરી શકીએ તો ?

હું અને પૂનમ રાજવીને હીંચકા ખવડાવતા હતા. એક દીકરીની બંને બાજુ અમે એક એક હતા [ બ્લેન્સ રહે એટલે ] બાજુમાં ૫-૬ વર્ષનો દીકરો હતો. ગાર્ડન-રેસ્ટોરન્ટમાં કામ કરતા કોઈ કારીગર/વેઈટરનું સંતાન હશે. હું અને પૂનમ સતત ધ્યાન રાખતા હતા કે હીંચકો મોટો ના થાય અને દીકરીને સગવડ રહે. બાજુમાં ધ્યાન ગયું તો દીકરો ખેંચી ખેંચીને હીંચકા ખાવાની [ ચગાવવાની ] કોશિશ કરતો હતો. અંધારામાં ચમકતી નિયોન લાઈટ્સ પણ એની આંખની ઈર્ષાના ચમકારાથી ઝાંખી પડી જાય. મને તરત જ સમજાઈ ગયું. ૨ મિનીટ એને હીંચકા નાખી આપ્યા. ફક્ત ૨ જ મીનીટમાં એટલી જડપ પકડી લીધી કે હું અને પૂનમ નવાઈ પામી ગયા ‘કે આને આટલા ઊંચા હીંચકામાં ડર નહીં લાગતો હોય’ !! નવાઈ વચ્ચે અમે એને ધીમા પાડવા કહ્યું અને એ વાત એણે માની પણ લીધી!!

મુદ્દો એ છે કે એ ખુબ મહેનત કરતો હતો, ફક્ત જરાક – જરાક જ મદદ કરવાની હતી. પૂરી ૨ મિનીટમાં તેણે જે જડપ પકડી તે તેની તાકાત સ્પષ્ટ કરતુ હતું. પણ આપણને આ મોટેભાગે સૂઝતું જ નથી!! કદાચ સમજવું જ નથી… આપણે સંઘર્ષ કર્યો છે, હેરાન થયા છીએ તો આ પણ ભલે ને હેરાન થાય! આપણે ઉભા ઉભા ખેલ જુવો અને જરૂર પડીએ સલાહ આપો કે ‘આમ કરાય/તેમ કરાય’ અને પછી કહેવાનું પણ ખરું કે ‘હું તને મારાથી બનતી “તમામ” મદદ કરું છું’

જ્યારથી એકલી કામ કરું છું ત્યારથી સમાજમાં આ પરિસ્થિતિ જોઉં છું. આપણો સમાજ ખુબ જ દંભી છે. એક સ્ત્રી ‘સ્વતંત્ર’ વિચારે, પોતાની રીતે જીવે, મેઈન સ્ટ્રીમમાં પુરુષોને ટક્કર મારે તેવી કરીઅર બનાવે [ બ્યુટી પાર્લર, બુટીક, હોબી ક્લાસ કરાય !!! ] તે દરેક એટલે દરેક પુરુષને એક ખૂણામાં ખુચતું હોય છે. અમુક આંખ-આડા કાન કરે, અમુક આડા ચાલે, અમુક દંભ કરે કે ‘અમે તો તમારી પ્રગતિથી બહુ ખુશ છીએ’, ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો કેહજો’ , ‘સ્ત્રીઓ એ તો આગળ આવવું જ જોઈએ’ એટસેટરા એટસેટરા… પણ મદદના નામે ‘નક્કર’ ક્યારેય કંઈ જ નહીં કરવાનું…. [ એકઝેટલી આટલું નાનું જ કામ હોય છે, કોઈકને ૨ મિનીટ હીંચકો નાખી આપવા જેટલું નાનું! આપણે ખાસ કંઈ નક્કર નથી કરવાનું. ફક્ત એની પ્રગતિમાં નિમિત જ બનવાનું છે ]

કુદરત દરેકને સમજણ અને શક્તિ આપે ‘સાચ્ચા સમયે કોઈને “હીંચકો” નાખી આપવાની’ !

 

2