Freedom is not a Private Affair, It’s a Social Contract.

સ્વતંત્રતા સાથે આવતી જવાબદારી.

૨૦૧૬માં આવેલા મુવી ‘પિંક’માં ઘણી એવી વાતો કહેવાઈ કે જે લોકોને આકરી લાગી. છોકરી અજાણ્યા છોકરા સાથે દારૂ પીવા બેસી જાય અને છત્તા જે બને છે તેમાં તેનો વાંક નથી??? આનો જવાબ મુવીમાં ખુબ સારી રીતે આપ્યો છે. દરેક સંજોગોમાં આ વાત લાગુ પડે છે. દીકરીને નાનપણથી જ ખોટું સહન કરવાની ટેવ પાડીએ છીએ. દાદી, માં કે બાપ દીકરીની સરખામણીમાં દીકરાને વધુ લાડ કરાવે અને દીકરી વિરોધ કરે ત્યારે ઘરનું જ સભ્ય સમજાવે કે ‘આ આમ જ છે અને આમ જ રહેશે, ઘરના સભ્યોનો વિરોધ કે બુરાઈ સારી છોકરીઓ ના કરે’!!!!!!!!!!!!!!!!!!! પછી સાસરે દીકરીને સમાનતા કે સન્માન મળશે તેવી આશા કઈ રીતે રાખી શકાય?

છોકરીઓ બહાર નીકળતી થઇ, ભણતી-કમાતી, જોબ-બીઝનેસ કરતી થઇ. બદલાવ સાથે આવતી બદ્દીઓથી બચી ના શકાય. સાચ્ચા-ખોટા, સારા-ખરાબ મિત્રો બનશે, તદ્દન ખોટી-ખરાબ વ્યક્તિ સાથે પ્રેમમાં પડશે, શાળા/કોલેજ/ટ્યુશનના સાહેબો અણછાજતું વર્તન કરશે, અજાણી વ્યક્તિઓ નજીક આવવા કોશિશ કરશે, ત્યાં સુધી કે કુટુંબના – વિશ્વાસપાત્ર લોકો નજર બગાડશે, લીફ્ટમાં આવતા જતા લોકો ખોટી રીતે સ્પર્શી જશે, પાર્કિંગમાં એકદમ નજીક આવીને ડરાવી જશે, ટ્રેઈનમાં શંકાસ્પદ લોકોની હાજરીને કારણે આખી રાત જાગીને કાઢવી પડશે, જોબમાં બોસ-કલીગ દોસ્તી થી લઈને ‘ઇનડીસન્ટ પ્રપોઝલ’ સુધી પહોંચશે, બિઝનેસમાં કૌભાંડીઓ પાર્ટનર મળશે, બેંક લોનમાં ગેરેન્ટર બનશે અને વ્યક્તિ છટકી જશે, ફ્રેન્ડને વિશ્વાસ કરી અંગત વાતો કરશે અને એ દગો કરશે, બોયફ્રેન્ડ બ્લેકમેઈલ કરશે, લવ મેરેજ કર્યા હશે તે પતિ નમાલો સાબિત થશે અને માં-બાપની ખોટી વાતો સામે પત્નીનો સાથ છોડી દેશે, જાહેરજીવનમાં નામ કમાયા પછી લોકોને ખુશ ના રાખી શકવાના કારણે બદનામી થશે, રાતોરાત નોકરી છોડી દેશે કે બીઝનેસ આટોપી લેશે…………  તો ??

તો શું? તે છોકરી-સ્ત્રી ખરાબ છે? ખોટી ખરાબ વ્યક્તિ સાથે ભેરવાઈ ગઈ એટલે એનો મોટો દોષ થઇ ગયો? દીકરો દુનિયામાં જાય છે તો તે ભૂલો નથી કરતો? જો હજારો વર્ષની સંસ્કૃતિમાં પુરુષો દુનિયામાં કામ કરતા આવ્યા છે છત્તા ભૂલો કરે છે તો સ્ત્રીઓનો દુનિયામાં કામ કરવાનો અનુભવ ૧૦૦ વર્ષનો પણ નથી, તેનાથી ભૂલો ના થાય? સમય લાગશે સમાજને સ્ત્રીઓને જાહેરજગતમાં સ્વીકારતા અને સ્ત્રીઓને શીખતા. ત્યાં સુધી સાથ આપવો રહ્યો.

સ્ત્રીઓએ સમજવું રહ્યું કે સમાનતા અને વિશેષઅધિકાર બંને સાથે ના મળી શકે. સમાજમાં સ્થાન મેળવવું હશે તો સંઘર્ષ કરવો જ પડશે અને તેની શરૂઆત ઘરથી જ થશે. ઘરના સભ્યો સમજદાર હોય તો દરેક નિર્ણયમાં સાથે રાખવાનો પ્રયાસ કરો અને ના હોય તો તમારી પોતાની સંપૂર્ણ જવાબદારી જાતે જ લ્યો. તમારું જીવન કોઈના સાથ આપવા ના આપવા પર આધારિત નથી. એકલા ચાલશો તો રસ્તો વધુ અઘરો રહેશે પણ તદ્દન કંઈ ના કરી શકવાનું દુઃખ અને પસ્તાવો આનાથી મોટા હશે.

જીવનમાં કંઈ પણ એટલે કંઈ પણ ખોટું થઇ જાય મુંઝાવું નહીં, થાકવું-હારવું નહીં અને ખાસ તો છુપાવવું નહીં. તમે ખોટું નથી કર્યું, ખોટું કોઈ બીજાએ કર્યું છે, તમે સંજોગોનો શિકાર છો તો શા માટે શરમાવવું? ખોટું ચલાવી લેવાના બે ગેરફાયદા છે. એક તમારો આત્મા તમને ડંખશે કે શા માટે મેં વિરોધ ના કર્યો? અને બીજું ખોટું થવાની પ્રક્રિયા ચાલુ રહેશે – તમારા સાથે કે કોઈ બીજા સાથે. ખોટી વાતનો એક જ ઈલાજ છે ‘વિરોધ’. ખોટું એટલે ફક્ત શારીરિક હુમલો કે સતામણી જ નહીં; વાણી-વર્તન, આર્થિક-સામાજિક, નૈતિક રીતે થતું કંઈ પણ નીચું વર્તન. સમાજને દરેક રીતે વધુ સારો બનાવવાની જવાબદારી સ્ત્રીઓની વધુ છે કારણ સારા સમાજની સૌથી વધુ જરૂર સ્ત્રીઓને છે.

સમાજની દુર્દશા માટે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે. તમે અને હું આજે જે ખોટું સહન કરીએ છીએ તે આપણી આગળ થઇ ગયેલી સ્ત્રીઓની નિષ્ક્રિયતાનું પરિણામ છે, આપણે આવનારી પેઢીને આવો સમાજ આપીને નથી જવું. ખોટું કરવું નહીં અને કોઈ કરે તો ચલાવી લેવું નહીં.

તમારા જીવનની અને તેની તમામ ઘટનાઓની સંપૂર્ણ જવાબદારી તમારી છે, તમારી એકની જ છે! સમજણપૂર્વક વર્તવું. આધુનિકતાના નામે બહેકી ના જવું. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે તફાવત છે અને તે સ્ત્રી પુરુષ બંનેને એક સરખો લાગુ પડે છે. આપણે આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા બનાવવી અને તે મુજબ જીવવું.  ઓછા કપડા કે પ્રેમના નામે લફરા ‘મોડર્ન’ હોવાની નિશાની નથી. આર્થિક અને વૈચારિક રીતે સ્વતંત્ર હોવું ‘મોડર્ન’ છે. પોતાની કમાણીનો રૂપીઓ ઘણી તાકાત અને સરળતા આપશે, સૌથી પહેલા એ ધ્યેય રાખવો.

સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા માટે એક વાત યાદ કરાવવાની, તમારો રૂપીઓ હશે તો માન રહેશે. કોઈકના રૂપિયે [પિતા, ભાઈ, પતિ, પ્રેમી કે દીકરો] સ્વમાનની કોઈ ખાતરી નથી રહેતી.

જીંદગી તો અપને હી દમ પર જી જાતી હે, ઔરો કે કંધે પે તો જનાદે નીકલતે હે.

1 thoughts on “Freedom is not a Private Affair, It’s a Social Contract.

  1. only one thing which caught my attention in whole article of yours was ” samanta and vishehadhikar ” ( equality and special rights / privileges ) one can’t get both…………. but this is what exactly modern, literate & educated women across India are exploiting! Meaning of independence, freedom, earning, relations, values every thing have been twisted according how it suits self!! Your article seems to be just like a school essay competition, feel good in reading, gives an impression of your mature mind! But that’s it! You should meet modern era’s macho ladies like Ekta Kapoor and others who can also give you more inputs on definition on womens new found independence and its meaning!

    Like

Leave a comment