ઝીરો ટોલરન્સ ૫

zero-tolerance-policy

આસપાસના તમામ લોકો!!

રસ્તા પર મોતના કુવાની જેમ વાહન ચલાવતા લોકો, આગળ પાછળ હોર્ન વગાડતા લોકો, બાજુમાં વાહન લાવી રસ્તા પર થુંકતા લોકો, પડોશમાં જોરથી ઘટિયા મ્યુઝીક સાંભળતા લોકો, વારે તહેવારે મળે ત્યારે મગજનું દહીં કરતા સગા સંબંધીઓ, જ્ઞાન-સલાહ આપતા/ મહેણાંટોણાં મારતા ઓળખીતાઓ…………

જોબ પર કલીગ્સ જે કામચોરી કરે છે, શિસ્તમાં નથી વર્તતા, બોસ કે જે ક્યારેય આપણા કામની કદર નથી કરતા, બીઝનેસમાં પાર્ટનર કે જે હંમેશા ધંધામાં કે વહેવારમાં ઓછું ઘસાવું પડે તેની જ ગણતરી કરતો હોય છે, કસ્ટમર કે જેનાથી નફો તો શું નુકશાન ના થાય તે જ જોવાનું હોય અને ઉપરથી એનો તોછડો સ્વભાવ સહન કરવાનો હોય….

ઢગલો લોકો છે કે જેનું કંઈ નથી થઇ શકતું.

આ બધામાં આપણે જાતે જ એક ઉમેરીયું: સોસીયલ મીડિયા!!

સૌથી પહેલા વોટ્સએપ ડીલીટ જ કરી દ્યો, નવરા અને ###### લોકોનું જ કામ છે એ. પ્રેરણાત્મક મેસેજ, ધાર્મિક મેસેજ, ઘટિયા જોક્સ, ચવાયેલી શાયરીઓ, ઉઠાવેલી કવિતાઓ, સલાહના વિડીઓ….. આટલું ઓછું હોય તેમ Hi ! How are you? Shu karo chho?? ૩જા વાક્યમાં ગુજરાતી આવી જાય પણ શરૂઆત તો Hi! થી જ કરે! મફતિયા ઈન્ટરનેટ કોલ, ગ્રુપ હોય તો પંચાત પંચાત પંચાત…. તદ્દન નોનસેન્સ સવાલો: લે! આજે વહેલા ઉઠી ગયા? ઓહ! આટલા મોડે સુધી જાગો છો?? **** તારે મારું વોટ્સએપ સ્ટેટ્સ જોવા સિવાય કોઈ કામ નથી?!! લેવલલેસ લોકોને નજીક આવવાનો કે પોતાની જાતને નજીક સમજવાનો મોકો ના આપો.

ફેસબુક: સામે મળે તો વાત પણ ના કરીએ તેવા લોકો અહીં તમને સલાહ આપી જશે, બાજુમાં ઉભા રહેવાની હેસિયતના હોય તે વરચ્યુલી દોસ્તી દાવે ખભ્ભે હાથ મૂકી જશે, ક્યારેય કોઈ સારી પોસ્ટ પર ના દેખાતા ખોચરા લોકો એમને ના ગમતી પોસ્ટ પર બુરાઈ ચોક્કસ કરી જશે. આપણી એક વાતમાં દલીલ કરવાની ત્રેવડ ના હોય એટલે આપણો વિરોધ કરતી એક એક કોમેન્ટ્સ શોધી લાઈક આપી આવશે, ફક્ત અને ફક્ત પોતાની સ્માર્ટનેસ/વિદ્વતા/તટસ્થતા બતાવવા અક્કલ વગરની કે ‘સો કોલ્ડ’ સ્માર્ટ કોમેન્ટ કરી જશે, ઇન શોર્ટ તમારી સળી કરી જશે.

શા માટે આવું ચલાવી લેવું જોઈએ? સોસીયલ મીડિયા પર સામાન્ય સમજણની વ્યક્તિએ એક નિયમ રાખવો જોઈએ કે કોઈની પણ પોસ્ટ પર નેગેટીવ લખવા કે તેમણે પ્રગટ કરેલા વિચારોની વિરુદ્ધ તમારા વિચારો રજુ કરવા જવું જ ના જોઈએ. તમને ના ગમે તો ઇગ્નોર કરો, અનફોલો કરો, અનફ્રેન્ડ કરો, બ્લોક કરો પણ તમારા વિચારો તમારી વોલ સુધી જ રાખો. બીજાની પોસ્ટ પર શુભેચ્છાઓ આપવા, વખાણ કરવા કે હળવી મજાક મસ્તી [ જેની સાથે વહેવાર હોય તેની જ સાથે ] કરવા જ હાજરી આપો, બાકી તમારો કીમતી મત તમારા પાસે જ રાખો. તમારે જે કહેવું હોય તે કહેવા માટે તમારી પોતાની વોલ છે, ત્યાં ચીતરો! આ તો સળંગ ૫ લીટી લખાતી ના હોય પણ કોઈકનો વિરોધ કરવો, વાંક કાઢવો સહેલો લાગે. આવું બિલકુલ ના સહન કરો.

આપણા જીવનમાં ફરજીયાત સહન કરવા પડતા ખુબ એટલે ખુબ લોકો છે, ધારીને પણ લાત કે લાફો નથી મારી શકતા. તેમાં સોસીયલ મીડિયામાંથી ઉમેરો ના કરો.

ના ગમે તો સાંભળવું નથી, કાન એ કોઈની થુંકદાની નથી. જીવનમાં કોઈનું પણ કંઈ જ ના ગમતું સાંભળો નહીં, સ્પષ્ટ ના પાડી દ્યો કારણ આ બધી વાતો મન મગજને ત્રાસ આપે છે. આ ત્રાસ કેટલો પડતો હશે તે કોન્સીયસલી આપણે નથી જાણતા પણ વર્ષોના સહન કરવાના સરપાવરુપે શરીર જવાબ આપે ત્યારે કંઈ થઇ પણ નથી શકતું. સૌથી વધુ જાતને પ્રેમ કરો, માન અને ન્યાય આપો. જે આ સહીત જીવનમાં ટકે તે રહે, બાકીના બધાને સીતારામ!

ઝીરો ટોલરન્સ સીરીઝમાં જે વાંચ્યું તેમાંનું કૈંક અમલમાં મૂકી શકો તેવી શુભેચ્છા! અસ્તુ!

Leave a comment